ભાણવડથી આશરે 12 કિલોમીટર દૂર ઢેબર ગામના પાટીયા પાસેથી ગતરાત્રિના સમયે આશરે નવેક વાગ્યાના સમય પસાર થતા જી.જે. 12 એક્સ 5038 નંબરના રીક્ષા છકડાને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ રીક્ષામાં નાના પાડરડાઓ બાંધીને લઈ જવામાં આવતા હોવાનું ધ્યાને આવ્યું હતું.
આથી પોલીસની પૂછપરછમાં આ છકડા રિક્ષામાં છ પાડરડાઓને લઈને જઈ રહેલા ઢેબર ગામના સંધી હાસમ ઈબ્રાહીમ હિંગોરા (ઉ.વ. 58) અને બાવા મુસા ઓઠાણી (ઉ.વ. 30) નામના બે શખ્સોની પૂછપરછમાં તેઓ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે પશુઓની હેરફેર માટે કોઈ આધાર પુરાવા ન હતા. ઉપરોક્ત બંને શખ્સો દ્વારા ઢેબર ગામના જીવા ગોવિંદ બલવા નામના શખ્સના કહેવાથી ગેરકાયદેસર રીતે છકડા રિક્ષામાં આ નાના જીવને કૃરતાપૂર્વક દોરડા વડે બાંધી અને આ નાના રિક્ષામાં હલનચલન ન કરી શકે તેમજ તેમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર લઈ જતા હોવાનું ખુલવા પામ્યું છે.
આથી ભાણવડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ નટુભા જાડેજાએ ફરિયાદી બની, ઉપરોક્ત બંને શખ્સો સામે આઇ.પી.સી. કલમ 114 તેમજ પશુ અતિક્રમણ ધારાની કલમ, એમ.વી. એક્ટની કલમ વિગેરે મુજબ ગુનો નોંધી, રૂપિયા 20,000 ની કિંમતના છકડા રીક્ષા તથા રૂપિયા 6,000 ની કિંમતના નાના અબોલ જીવ સાથે તેઓની અટકાયત કરી હતી. જ્યારે અન્ય આરોપી જીવા ગોવિંદ બલવાને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.