દેવભૂમિ દ્વારકા જિલ્લા રહેતા અને જુદા જુદા વિસ્તારોમાં જઈ અને રમકડા વેચાણની આડમાં મોબાઈલ ફોન તફડાવી લેતા બે બંધુઓને એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ વાનરીયાને મળેલી બાતમીના આધારે અજમેર પીરની ટેકરી પાછળના ભાગમાં આવેલી એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા દેવા સુદામાભાઈ બાબુભાઈ ચૌહાણ તથા શિવા સુદામાભાઈ બાબુભાઈ ચૌહાણ નામના બે શખ્સોને ઝડપી લઇ, ચેકિંગ કરતા તેના કબજામાંથી જુદા-જુદા નવ એન્ડ્રોઇડ ફોન મળી આવ્યા હતા. રૂ. 25,000 ની કિંમતના આ મોબાઈલ અંગે તેઓની પાસે કોઈ આધાર પુરાવા ન હોવાથી ઝડપાયેલા આ બંને બંધુઓની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓ દ્વારા ગુજરાત તથા અન્ય રાજ્યમાં યોજાતા લોકમેળામાં રમકડા વેચવા જવાના બહાને આ સ્થળેથી મોબાઈલ ફોન ચોરીછૂપીથી તફડાવી લેવામાં આવતા હોવાની કબુલાત આપી હતી. જેમાંથી એક મોબાઈલ ફોન તેઓએ સોમનાથ ખાતેથી નજર ચૂકવીને મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. આથી પોલીસે બંને શખ્સોની અટકાયત કરી, વધુ તપાસ અર્થે બંને શખ્સોનો કબજો ખંભાળિયા પોલીસને સોંપ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. હરદેવસિંહ જાડેજા, સુરેશભાઈ વાનરીયા, કિશોરસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, પબુભાઈ માયાણી તથા ખેરશીભાઈ મુન દ્વારા કરવામાં આવી હતી.