રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી નશાકારક પ્રવાહી સંદર્ભે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડ્રગ્સ કે કેફી પદાર્થોનું સેવન ન થાય અને આ અંગેનું વેચાણ કરતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને જિલ્લા એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા દ્વારા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ અંગેની કામગીરી કરવામાં આવી હતી.
જિલ્લા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ગત તા.28 જૂનના રોજ પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર પંથકમાં પહોંચતા ચોક્કસ બાતમીના આધારે કેનેડી ગામે આવેલી ચામુંડા પાન એન્ડ ટી હાઉસ નામની દુકાનમાં ચેકિંગ કરવામાં આવતા દુકાનદાર રાજેશ ગોકરભાઈ રણમલભાઈ ડાભી નામના 35 વર્ષના શખ્સ દ્વારા પોતાની દુકાનમાં રાખવામાં આવેલો નશાકારક કોડેઈન યુક્ત કફ સીરપની 208 બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂા. 35,240 ની કિંમતની આ 208 બોટલ કબજે કરી, તેની પૂછપરછમાં ઉપરોક્ત નશાયુક્ત કફની બોટલોનો જથ્થો તેણે કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામે રહેતા ગોપાલ દેવશીભાઈ પરમાર નામના શખ્સ પાસેથી લીધો હોવાનું કબુલતા એસ.ઓ.જી. પોલીસે આગળની તપાસમાં સૂર્યવદર ગામના 42 વર્ષીય ગોપાલ દેવશી પરમારને ઝડપી લીધો હતો. આ શખ્સ પાસેથી નશાકારક કોડેઈન યુક્ત કફ સીરપની વધુ 1400 બોટલ ઉપરાંત એક મોબાઈલ ફોન પણ પોલીસે કબજે કર્યો હતો.
ગોપાલ પાસેથી કુલ રૂા.2,14,900 ના મુદ્દામાલ સહિત પોલીસે કુલ રૂા. 2,50,140 ની કિંમતની 1608 બોટલ કફ સીરપનો જથ્થો કબ્જે કરી આરોપી રાજેશ ડાભી અને ગોપાલ પરમાર દલવાડીની એનડીપીએસ એક્ટ હેઠળ વિધિવત રીતે અટકાયત કરી હતી.
નશાકારક કોડેઈન યુક્ત કફ સીરપનું માન્ય તબીબના પ્રિસ્ક્રિપ્સન વગર સેવન કરવું તેમજ વેચાણ કરવું હોય તે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક એક્ટ (એન.ડી.પી.એસ.) ની વિવિધ કલમ હેઠળ સજાપાત્ર ગુનો છે. જેમાં 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. નશાકારક પદાર્થનું સેવન કરવાથી જિંદગીભરની નશાની આદત પડી શકે છે. જેથી આનાથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પીઆઈ પી.સી. સિંગરખીયા, હરદેવસિંહ જાડેજા, કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, સુરેશભાઈ વાનરીયા, નિર્મલભાઈ આંબલીયા, કિશોરસિંહ જાડેજા નરેન્દ્રસિંહ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિતેશભાઈ સાદીયા, કિશોરભાઈ ડાંગર અને દિનેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.