દેશભરમાં આઈપીએલ 2024 માં ક્રિકેટફીવર ઉનાળાની ગરમીની જેમ ઉંચે જઈ રહ્યો છે. દેશભરના ક્રિકેટ રસીકો આઈપીએલની મેચો નિહાળતા હોય છે. તેની સાથે સાથે ક્રિકેટના સટ્ટો પણ એટલા જ મોટા પ્રમાણમાં રમાતો હોય છે. જામનગરમાં ગઈકાલે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાતા ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર જૂગાર રમાડતા બે શખ્સોને સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં આવેલી બજરંગ પાનની દુકાનની બાજુમાં જાહેરમાં ક્રિકેટના પ્રસારણ ઉપર જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન દુકાનમાં રહેલાં ટીવીમાં આઈપીએલ 20-20 ક્રિકેટ સીઝનમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાતા મેચના પ્રસારણ ઉપર રનફેર હારજીતના સોદાઓ પાડી જૂગાર રમાડતા વિનોદ ઉર્ફે ભાખરો દામજી મંગે અને અમિત કેશુ લાલવાણી નામના બે શખ્સોને પોલીસે રૂા.1550 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. અને બંને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.