Monday, January 26, 2026
Homeરાજ્યહાલારકલ્યાણપુર પંથકમાં 41 લાખની છેતરપિંડીમાં ઇન્દોરના બે શખ્સો ઝબ્બે

કલ્યાણપુર પંથકમાં 41 લાખની છેતરપિંડીમાં ઇન્દોરના બે શખ્સો ઝબ્બે

સાયબર ક્રાઇમ પોલીસે મુખ્ય સૂત્રધારને દબોચ્યા

કલ્યાણપુરમાં પંથકમાં એક આસામીને શેર બજારમાં રોકાણ કરવામાં કરોડો રૂપિયાનો નફો થવાની ખોટી લાલચ બતાવી અને રૂપિયા 41 લાખની કરવામાં આવેલી છેતરપિંડી પ્રકરણમાં જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઈન્દોર ખાતે રહેતા બે શખ્સોને ઝડપી લીધા હતા.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં રહેતા એક આસામીને શેરબજારમાં રોકાણ કરી અને સો ટકા નફો મેળવી આપવાની લાલચ આપતી ચોક્કસ વેબસાઈટ તથા આ બેનામી વેબસાઈટમાં કરોડો રૂપિયાનો ખોટો નફો દર્શાવીને રૂપિયા 41,07,998 ની છેતરપિંડી થયાનો બનાવ થોડા સમય પૂર્વે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયો હતો. બેનામી વેબસાઈટના ઓનર અને ગુનામાં વપરાયેલા બેંક એકાઉન્ટ ધારક સામે ભારતીય ન્યાય સહિતા અને આઈ.ટી. એક્ટની જુદીજુદી કલમ હેઠળ નોંધાયેલા આ ગુના સંદર્ભે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ કરવામાં આવી હતી.

જેના ફળ સ્વરૂપે સાયબર ફ્રોડના આ ગુનામાં સંડોવાયેલા છત્તીસગઢ રાજ્યના મૂળ રહીશ અને હાલ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે રહેતા દિલીપ માખનલાલ કેવટ અને ઇન્દોર ગામના રહીશ એવા અમિત સુનિલ પ્રજાપતને પોલીસે ઇન્દોર ખાતેથી ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. વી.કે. કોઠીયા, એસ.વી. કાંબલીયા, હેભાભાઈ ચાવડા, સાજણભાઈ, રાજુભાઈ, અજયભાઈ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આર્થિક રોકાણ તેમજ શેર ટ્રેડિંગ વિગેરે બાબતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવતી લોભામણી જાહેરાતો ઉપર વિશ્વાસ ન કરવા તેમજ શેર ટ્રેડિંગ માટે સેબી દ્વારા માન્યતા ધરાવતી એપ્લિકેશન અને બ્રોકરનો જ ભરોસો કરવા તથા આવા સાયબર ફ્રોડનો ભોગ બનતા આસામીઓએ તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 નો અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular