જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સોસાયટમાં પ્રૌઢાના ઘરમાં ઘુસી દોરડા વડે બાંધી દિનદહાડે લૂંટ ચલાવવાના કેસમાં જામનગર સિટી એ પોલીસે બે શખ્સોને ઝડપી લઇ સોનાના દાગીના રોકડ રકમ, તથા કુલ રૂા.18,89,372 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગરના કાલાવડનાકા બહાર તારમામદ સોસાયટી પ્લોટ નંબર-26 માં રહેતા ફરીદાબેન મુસ્તફાભાઈ અતરીયા નામના પ્રૌઢા પોતાના ઘરે હતાં ત્યારે બે અજાણ્યા શખ્સોએ આવી આયુર્વેદિક દવા આપવાનું કહી ફરિયાદીને પગથી લાત મારી નીચે પછાડી દઇ ઢીકાપાટુનો માર મારી મોઢામાં કપડુ ભરાવી હાથ પગ દોરી વડે બાંધી બીજા રૂમમાં ગેરકાયદેસર અટકાયત કરી ગળામાં પહેરેલ 12 ગ્રામનો સોનાનો ચેઈન, તથા તીજોરીમાંથી 10 તોલાનું સોનાનું બિસ્કીટ, 6 ગ્રામ સોનાની બુટી, 3 ગ્રામની સોનાની બે ગીની, ચાર નંગ સોનાની બંગડી અને ચાંદીની વીટી સહિત અંદાજે 240 ગ્રામ (24 તોલા) ના દાગીના જેની કુલ કિં.13,07,500 તથા રૂા.1 લાખની રોકડ રકમ સહિત કુલ રૂા.14,07,500 ની લૂંટ કરી હતી. આ અંગેની સિટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસને શોધવા સિટી એ ના પીઆઈ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ 12 પોલીસ સ્ટાફની અલગ અલગ ત્રણ ટીમો બનાવાઇ હતી. બનાવસ્થળના કમાન્ડ કંટ્રોલના સીસીટીવી ફુટેજ તેમજ હ્યુમન રીસોર્સના આધારે પો.કો. રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, વિપુલભાઈ સોનગરા તથા વિજયભાઈ કાનાણીને આ લૂંટમાં સંડોવાયેલ આરોપીએ મોટરસાઈકલ નંબર જીજે-25- એએફ-1646 નો ઉપયોગ કર્યો હોય. અને તે મોટરસાઈકલ સાથે બે શખ્સો પોરબંદર ગયા હોવાનું જણાયું હતું. જેથી ત્રણ ટીમો દ્વારા પોરબંદર કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરામાં તપાસ કરતાં હિતેશ પ્રેમજી હોડાર તથા ધાર્મિક હરીશ વરવાડિયા નામના બે શખ્સોને ઝડપી લઇ બંનેની પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી. બંને શખ્સો પાસેથી લૂંટમાં ગયેલ કુલ રૂા.17,59,372 ની કિંમતનું અંદાજે 240 ગ્રામ દાગીના તથા રૂા.70 હજારની રોકડ રકમ, રૂા.50 હજારની કિંમતનું મોટરસાઈકલ, રૂા.10000 ની કિંમતના બે મોબાઇલ ફોન સહિત કુલ રૂા.18,89,372 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચના મુજબ પીઆઈ એન.એ. ચાવડા, એએસઆઈ કરણસિંહ જાડેજા, હેકો મહિપાલસિંહ જાડેજા, પો.કો. રવિભાઈ શર્મા, વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા, વિપુલ સોનગરા, સંદિપભાઈ જરૂ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.