જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લાની ગોલાઇ પાસેના માર્ગ પર પૂરઝડપે બેફિકરાઇથી આવતા ટેમ્પો ચાલકે બે પદયાત્રીઓને ઠોકરે ચડાવી હડફેટે લેતા મોત નિપજ્યા હતાં. અકસ્માત બાદ ચાલક નાસી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભરવાડ પરિવાર પદયાત્રા કરી દ્વારકા ફૂલડોલ ઉત્સવ માટે જતા હતા તે દરમ્યાન ગુરૂવારે મધ્યરાત્રિના સમયે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામની ગોલાઇ પાસે પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફિકરાઇથી આવતા જીજે3બીડબલ્યુ 2818 નંબરના છોટાહાથીના ચાલકે ખોળાભાઇ રાણાભાઇ ફાંગલિયા (ઉ.વ.70), હીરાભાઇ મેરૂભાઇ લાંબરિયા નામના બે પદયાત્રીઓને ઠોકરે ચડાવી હડફેટે લઇ પછાડી દેતા આ બન્ને પદયાત્રીઓને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે બન્નેના મોત નિપજ્યા હતાં. ત્યારબાદ ચાલકે કાબૂ ગુમાવી દેતા વાહન રોડ પરથી ઉતરીને પલ્ટી ખાઇ ગયું હતું. અકસ્માત બાદ ચાલક નાસી ગયો હતો. આ અંગેની પરબતભાઇ ફાંગલિયા દ્વારા જાણ કરાતા પીએસઆઇ બી. એસ. વાળા તથા સ્ટાફે સ્થળ પર દોડી જઇ બન્ને મૃતદેહોને પી.એમ. માટે મોકલી નાસી ગયેલા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ચાલકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.