જામનગર શહેરમાં પટણીવાડ વિસ્તારમાં પાર્ક કરેલ બાઈક લેવાનું કહેતાં બે શખ્સોએ મહિલા ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પટણી વાડ વિસ્તારમાં પુરબીયાની ખડકી પાસે રહેતાં સમીર ઈકબાલ કુરેશી નામના યુવાને જાકીર ઈસ્માઇલ પટણીને પાર્ક કરેલ બાઇક લેવાનું કહેતાં આ બાબતે જાકીર ઈસ્માઇલ પટણી અને તેનો સાઢુભાઈ અશરફ નામના બન્ને શખ્સોએ સમીરની બેન સમીમબેન હૈદરહુશેન કુરેશી નામની મહિલા ઉપર છરીનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી. તેમજ ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. બાઈક હટાવવા જેવી નજીવી બાબતે બે શખ્સો દ્વારા મહિલા ઉપર હુમલો કરાતા ઘવાયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ વી. આર. ગામેતી તથા સ્ટાફે સમીમબેનના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી શોધખોળ માટે તપાસ આરંભી હતી.