જામનગર શહેરમાં ગીતા લોજ પાસે રહેલા ગોંડલ ગામના યુવકને બે શખ્સોએ આવીને તું સંગીતાને મૂકી દેજે અને તેને મળતો નહીં તેમ કહી જેમ ફાવે તેમ ગાળો કાઢી છરી વડે હુમલો કરી લોહીલુહાણ કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ ગોંડલમાં મોટીબજાર સંઘાણી શેરીમાં રહેતો પરાગ જેન્તીભાઇ સખિયા (ઉ.વ. 22) નામનો યુવક શનિવારે સવારના સમયે જામનગર શહેરમાં જૂના રેલ્વે સ્ટેશન પાસે આવેલી ગીતા લોજ નજીક ઉભો હતો તે દરમ્યાન મનિષ દેવા જોગસવા, ઉદય કનૈયાલાલ પરમાર નામના બે શખ્સોએ આવીને પરાગને કહ્યું કે, ‘તું સંગીતાને મૂકી દેજે અને તેને મળતો નહીં.’ જેથી પરાગએ કહ્યું કે, ‘ચાર મહિનાથી મારે સંગીતા સાથે પ્રેમસંબંધ છે.’ તેમ જણાવતા બન્ને શખ્સોએ ઉશ્કેરાઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. ત્યારબાદ મનિષએ પરાગને તું ગોંડલ ભેગો થઇ જાજે અને આજ પછી સંગીતાને મળીશ તો પતાવી દઇશું તેવી ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. ઓ.એસ.સુમરા તથા સ્ટાફએ બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.


