જામનગર શહેરનાં ધરારનગર વિસ્તારમાં મહિલા અને તેના પરિવારજનો ઉપર બે શખ્સો દ્વારા લોખંડના પાઈપ વડે અને ઢીકાપાટુનો આડેધડ માર મારી હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. કાલાવડના ધુનધોરાજી ગામમાં મહિલાને શખ્સે અમારી વાડીમાં ટ્રેકટર કેમ ચલાવ્યું ? તે બાબતે કૂવામાં નાખી પતાવી દેવાની ધમકી આપી હતી. સામા પક્ષે ધમકી આપનાર યુવાન ઉપર મહિલાના ભાઈ સહિતના ત્રણ શખ્સોએ દંપતી ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતાં માનકુંવરબા ગોહિલ નામના મહિલા ઉપર રવિવારે રાત્રિના સમયે ભૂપતસિંહ રાઠોડ અને અનોપસિંહ રાઠોડ નામના બે શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો તેમજ ઋતુરાજસિંહ વચ્ચે પડતા તેના ઉપર લોખંડના પાઇપના આડેધડ ઘા ઝીંકી અને છરીનો ઘા ઝીંકયો હતો તેમજ હેતલબા ઉપર બન્ને શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બન્ને શખ્સો દ્વારા પરિવારના સભ્યો ઉપર હુમલો કરાતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવ અંગેની ઈજાગ્રસ્ત માનકુંવરબા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુના ધુનધોરાજી ગામમાં રહેતાં જાગૃત્તિબેન વિરાણી નામના મહિલાને પ્રજ્ઞેશ વિરાણી એ તેના ઘરની બહાર બોલાવી તમે મારી વાડીમાંથી ટેકટર કેમ ચલાવ્યું ? તેમ કહી અપશબ્દો બોલી હવે પછી આવી રીતે કર્યુ તો મારીને કુવામાં ફેંકી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સામા પક્ષે પ્રજ્ઞેશ વિરાણી નામના યુવાને તેના ખેતરમાં ટેકટર ચલાવવાની મહિલાને ના પાડતા મહિલાનો ભાઈ પિયુષ ગોકળ નારિયા અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી પ્રજ્ઞેશ અને તેની પત્ની સાથે બોલાચાલી કરી લાકડાના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પ્રજ્ઞેશ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો વી.વી.છૈયા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.