જામજોધપુર તાલુકાના ઘેલડા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા મહિલાને ખડ વાઢતા સમયે વીજશોક લાગતા મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના ગોદાવરી ગામની સીમમાં ભરવાડ યુવાનનું વીજશોક લાગતા મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામમાં દવાના છંટકાવ સમયે વિપરિત અસર થતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં રહેતા આદિવાસી યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જામનગર શહેરના મયુરનગર આવાસ કોલોનીમાં રહેતી યુવતીએ તેના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગરના ખોજાનાકા વિસ્તારમાં રહેતી યુવતીએ અકળ કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જામનગરના ગુજરાતી વાડ વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે સીડી પરથી પટકાતા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતા આધેડે માનસિક બિમારીથી કંટાળી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં રહેતા ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લામાં શનિ-રવિ બે દિવસ દરમિયાન અપમૃત્યુના નવ બનાવો બન્યા છે. જેમાં પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના ઘેલડા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા કવિબેન કરશનભાઈ કારેણા (ઉ.વ.42) નામના મહિલા ગત તા.26 ના રોજ સવારના સમયે તેના ખેતરમાં ઈલેકટ્રીક ટ્રાન્સફોર્મર પાસે ખડ વાઢતા હતાં તે દરમિયાન ટ્રાન્સફોર્મરમાં અડી જતા વીજશોક લાગતા બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કરશનભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.પી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના ગોદાવરી ગામની સીમમાં રવિવારના રોજ બાબુ ગાંડાભાઈ ગમારા (ઉ.વ.45) નામનો ભરવાડ યુવાન તેના ખેતરના સેઢા પાસે રહેલા થાંભલામાં અડી જતા વીજશોક લાગવાથી બેશુદ્ધ થઈ જતાં નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કારાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.જે. સિંહલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામના સીમ વિસ્તારમાં આવેલા નરજોરામ ઘેલારામ દુધરેજીયા (ઉ.વ.50) નામના પ્રૌઢ ગત તા.23 ના રોજ તેના ખેતરમાં દવાનો છંટકાવ કરતા હતાં તે દરમિયાન વિપરીત અસર થવાથી બેશુદ્ધ થઈ જતાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ચંદ્રરામ દ્વારા જાણ કરાતા હેકો ટી.બી.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો બનાવ, કાલાવડ તાલુકાના મોટી માટલી ગામના સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરતા ગીરીશ ભાવસીંગ મખોદિયા (ઉ.વ.22) નામના યુવાને શનિવારે સવારના સમયે તેના ખેતરમાં કોઇ કારણસર ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો બનાવ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા મયુરનગર આવાસમાં બ્લોક નં.ડી-2/208 માં રહેતાં દિવ્યેશપરી ગોસાઈ નામના યુવાનની પુત્રી ખુશ્બુ ગોસાઈ (ઉ.વ.19) નામની યુવતીએ શુક્રવારે રાત્રિના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી આરંભી હતી.
છઠો બનાવ, જામનગર શહેરમાં ખોજાનાકા બહાર ટીટોડીવાડી વિસ્તારમાં રહેતી આશિયાનાબેન રાહીલ દરજાદા (ઉ.વ.21) નામની યુવતીએ શનિવારે સવારના સમયે તેના ઘરે કોઇ કારણસર ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ રાહિલ દરજાદા દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.કે. રાતિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
સાતમો બનાવ, જામનગર શહેરના ગુજરાતીવાડ વિસ્તારમાં રહેતા અને કલરકામ જુનેદ રફીક બેલીમ (ઉ.વ.33) નામનો યુવાન ગત તા.4ના રોજ તેના ઘરે સીડી પરથી પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને જામનગર અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું શનિવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા રફિકભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો ડી.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આઠમો બનાવ, લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતાં જેઠાભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ.50) નામના આધેડને ઘણાં સમયથી થયેલી માનસિક બીમારીની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હતો. જેથી બીમારીથી કંટાળીને ગત તા.22 ના રોજ બપોરના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પુર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કારાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નવમો બનાવ, કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં રહેતાં નિલેશસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ.48) નામના ખેડૂત યુવાને આર્થિંક સંકળામણથી કંટાળીને ગત તા.22 ના રોજ સાંજના સમયે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો વી.વી.છૈયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામજોધપુર-લાલપુરમાં વીજશોકથી મહિલા સહિત બે ના મોત
જામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન અપમૃત્યુના નવ બનાવ