જામનગર શહેર-જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ અધિક્ષક દ્વારા બે બુટલેગરો વિરૂધ્ધ કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટર દ્વારા મંજુર કરાતા એલસીબીની ટીમે એક બુટલેગરને સાબરમતિની જેલ અને બીજાને સુરતની લાજપોર જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યાં હતાં.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાત થતા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થાય અને કાયદો – વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જામનગર પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે.કરમટા તથા સ્ટાફના શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરણવા, સુરેશભાઈ માલકીયા દ્વારા ન્યુ સાધના કોલોનીમાં રહેતાં અને પ્રોહિબીશનના સાત ગુનામાં નોંધાયેલા મહેન્દ્ર ઉર્ફે બાડો રતીલાલ રાયઠઠ્ઠા તેમજ સાધના કોલોનીમાં રહેતાં અને પ્રોહિબીશનના બે ગુનામાં સંડોવાયેલા અભિષેક ઉર્ફે શેરો મુકેશ બદિયાણી નામના બે બુટલેગરો વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેકટર સમક્ષ મોકલી હતી. આ દરખાસ્ત કલેકટર ડી.કે. પંડયા દ્વારા મંજૂર કરાતા એલસીબીની ટીમે બંને બુટલેગરોની ધરપકડ કરી મહેન્દ્રને અમદાવાદની સાબરમતિ જેલ તથા અભિષેકને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.