- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સહિત તમામ વિસ્તારોમાં ગઈકાલે સોમવારે હળવા તથા ભારે ઝાપટા વરસ્યા હતા. જેમાં ખંભાળિયામાં ધોધમાર બે ઈંચ વરસાદ તથા ભાણવડમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.
ખંભાળિયા તાલુકામાં ગઈકાલે સ્વાતંત્ર્ય દિન પર્વે મેઘરાજાએ સવારના સમયે બ્રેક રાખ્યા બાદ સાડા દસેક વાગ્યાથી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેણે સાંજે વેગ પકડતા ચારેક વાગ્યાથી શરૂ થયેલો મુશળધાર વરસાદ રાત્રી સુધી ધીમા ઝાપટા રૂપે પણ વરસ્યો હતો. આમ ગઈકાલે દિવસ દરમિયાન 51 મિલિમિટર પાણી પડી ગયું હતું. આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 43 ઈંચ (1071 મિલીમીટર) નોંધાયો છે.
આ જ રીતે ગઈકાલે ભાણવડ તાલુકામાં પણ સવારના સમયે વરસાદી ઝાપટા વરસ્યા હતા અને 24 કલાકમાં કુલ 16 મિલીમીટર સાથે ભાણવડ તાલુકાનો મોસમનો કુલ વરસાદ 19 ઈંચ થવા પામ્યો છે. જ્યારે કલ્યાણપુરમાં હળવા છાંટા સાથે પાંચમી મિલીમીટર અને દ્વારકા તાલુકામાં બે મિલીમીટર સાથે ગઈકાલે મોસમનો કુલ વરસાદ અનુક્રમે 30 ઈંચ અને 29 ઈંચ થયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ દ્વારકા તાલુકામાં 135 ટકા અને ખંભાળિયા તાલુકામાં 132 ટકા વરસી ચુક્યો છે. ત્યારે કલ્યાણપુર તાલુકામાં 87 ટકા અને ભાણવડ તાલુકામાં હજુ સુધી 66 ટકા જ વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ જિલ્લામાં કુલ સરેરાશ વરસાદનો ટાર્ગેટ પૂરો કરી 103 ટકા પાણી વરસાવી દીધું છે.
- Advertisement -