જામનગર શહેર અને જિલ્લામાં મેઘસવારી અવિરત રહી હતી. 24 કલાક દરમિયાન કાલાવડ તાલુકાના મોટા વડાળામાં ધોધમાર ત્રણ ઈંચ પાણી પડયું હતું. જ્યારે સમાણામાં બે ઈંચ અને વાંસજાળિયામાં પોણા બે અને ધુતારપુરમાં સવા ઈંચ વરસાદ તથા કાલાવડ અને જામજોધપુરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
આ વર્ષે હાલારમાં ચોમાસાનો સમયસર પ્રારંભ થયો છે. પરંતુ, શરૂઆતના દિવસોમાં અમુક તાલુકાઓ કોરા ધાકોડ રહ્યાં છે. છેલ્લાં 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ કાલાવડ તાલુકાના મોટાવડાળામાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. તેમજ જામજોધપુરના સમાણામાં ધીમી ધારે બે ઈંચ પાણી આકાશમાંથી વરસ્યું હતું. ઉપરાંત જામજોધપુર તાલુકાના વાંસજાળિયામાં પોણા બે ઈંચ વરસાદ તથા ધુતારપુરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે મુખ્ય મથકોમાં કાલાવડમાં અને જામજોધપુરમાં એક-એક ઈંચ પાણી પડયું હતું તેમજ લાલપુરમાં અડધો ઈંચ ઝાપટારૂપે પાણી વરસ્યું હતું.
ઉપરાંત પીએચસીના આંકડાઓ મુજબ કાલાવડ તાલુકાના ખરેડી, ભ.બેરાજા, જામજોધપુરના ધ્રાફા, લાલપુરના ડબાસંગ, પરડવા, શેઠવડાળા, જામવાડીમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ધુનડા, નવાગામ, મોટા પાંચદેવડામાં અડધો-અડધો ઈંચ ઝાપટાંરૂપે પાણી પડયું હતું તેમજ જામવણથલી, બાલંભા, જાળિયાદેવાણી, લૈયારા, નિકાવા, પીપરટોડા, મોટા ખડબા, મોડપરમાં સામાન્ય છાંટા પડયાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે.