લાલપુર તાલુકાના હરિપર ગામ નજીક શ્રાવણ માસના સોમવારે દર્શનાર્થે જઇ રહેલાં બે મિત્રોના બાઇક અને છકડા વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. જ્યારે અન્ય મિત્રને ઇજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના સુભાષપરા વિસ્તારમાં રહેતો પારસભાઇ અશોકભાઇ લખીયર (ઉ.વ.22) અને તેનો મિત્ર દીપેશભાઇ નામના બન્ને યુવાનો રવિવારે મદ્યરાત્રિના સમયે લાલપુર પંથકમાં આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે તેના જીજે10-ડીએચ-2971 નંબરના બાઇક પર જઇ રહ્યાં હતા. હરિપર ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે સામેથી પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલી જીજે10-ડબલ્યુ-4057 નંબરના છકડાના ચાલકે બાઇકને ઠોકરે ચઢાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને યુવાનોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પારસ લખિયરનું મોત નિપજયું હતું. દીપેશને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જયા બાદ છકડો મૂકી ચાલક પલાયન થઇ ગયો હતો.
અકસ્માતના બનાવની જાણના આધારે એએસઆઇ એ. એન. જાડેજા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ધીરેનભાઇ નંદાના નિવેદનના આધારે નાશી ગયેલા છકડાચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી છકડો કબ્જે કરી ચાલકની શોધખોળ આરંભી હતી. મૃતક પારસ માતા-પિતાનો એકનો એક પુત્ર અને અપરિણીત હોવાનું જાણવા મળે છે.


