જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા યુવાનના ભાઇ સાથે પરિણીતા ઘરેથી ચાલી ગઇ હોવાની શંકાના આધારે ચાર શખ્સોએ યુવાન ઉપર લોખંડના સાધન વડે આડેધડ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે ત્રણ શખ્સો દ્વારા યુવાન ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરી ખોટી શંકા કરીશ તો પતાવી દેવાની ધમકી આપ્યાની સામસામી ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતો જાવીદભાઇ બોદુભાઇ આરબ અને તેનો ભાઇ ગઇકાલે બપોરના સમયે દેવિકા પાન સામે ઉભા હતા ત્યારે રીઝવાન સમા, અમિન, નવાઝ સમા અને રિઝવાનનો મામો આરીફ નામના ચાર શખ્સોએ આવીને જાવિદના ભાઇને રીઝવાનની પત્ની ઘરેથી ચાલી ગઇ હોય તે બાબતે પૂછપરછ કરી બોલાચાલી કરી હતી અને ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ બે શખ્સોએ લોખંડના સાધન વડે જાવિદ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને પતાવી દેવાની ધમકી આપી હતી.
સામાપક્ષે રીઝવાન ઉપર સિકંદર બોદુ આરબ, જાવિદ બોદુ આરબ અને અયુબ બોદુ આરબ નામના ત્રણ ભાઇઓએ ખોટી શંકા કરવાના મામલે રીઝવાનને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને પંકચરની દુકાનમાં રહેલા લોખંડના સળિયાથી રીઝવાન પર હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી અને જતાં જતાં અમારી ઉપર ખોટી શંકા કરીશ તો પતાવી દઇશું તેવી ધમકી આપી હતી. સામસામા કરાયેલા હુમલામાં ઘવાયેલા બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. ટી. કે. પાંભર તથા સ્ટાફે જાવિદ આરબ અને રીઝવાન સમાની સામસામી હુમલા તથા ધમકીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


