જામનગરમાં અરબ જમાત ખાના પાસેના વિસ્તારમાં પાણીનો ટાંકો છલકાતા સામાન પલળવાની બાબતે રજુઆત કરવા ગયેલા દંપતિને ચાર શખ્સએ ગાળો કાઢી, સોડા બોટલ અને પથ્થરના છુટા ઘા કરી, ઘરના દરવાજામાં નુકશાન પહોંચાડયું હતું. જ્યારે સામાપક્ષે પણ દંપતિ સહિતના ચાર શખ્સો વિરૂઘ્ધ સોડા બોટલના ઘા કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
સામસામા હુમલાના આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં અરબ જમાત ખાનું, ગનીપીરની દરગાહની બાજુમાં રહેતા મુમતાઝબેન મોહસિનભાઇ ઠેબા નામના મહિલાના ઘર પાસે રહેતાં ગુલામ અબ્દુલ દલના પાણીનો ટાંકો છલકાતા આ પાણીથી મહિલાનો સામાન પલળી ગયો હતો. જે બાબતે મુમતાઝબેન તથા તેમના પતિ મોહસિન બન્ને રજૂઆત કરવા ગયા ત્યારે ગુલામ અબ્દુલ દલ, સોહિલ અબ્દુલમામદ દલ, અરમાન ગુલમામદ દલ, સોયબ હુસને હિંગરોજા નામના ચાર શખ્સએ દંપતિને ગાળાગાળી કરી કાચની સોડા બોટલો તથા પથ્થરોના છુટા ઘા કરી મહિલાના ઘરના દરવાજામાં એક હજારનું નુકશાન પહોંચાડયું હતું.
જયારે સામાપક્ષે સામાન પર લડવાની બાબતે મોહસિન રહીમ ઠેબા, મુમતાઝ મોહસિન ઠેબા, મહેબૂબ અબ્દુલ દલ અને યાસ્મિન મહેબુબ દલ નામના ચાર શખ્સોએ એકસંપ કરી ઝપાઝપી કરી, ગાળો કાઢી, સોડા બોટલોના છુટા ઘા મારી ઇકબાલને ઇજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી નુકશાન પહોંચાડયાના બનાવમાં એએસઆઇ એચ. આર. બાબરિયા તથા સ્ટાફએ બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


