જામનગરના નવાગામ ઘેડના ગાયત્રી ચોકમાં દર બુધવારે ભરાતી ગુજરી બજાર બંધ કરાવવામાં આવતાં તેનો વિરોધ થયો છે. આ વોર્ડના બે કોર્પોરેટરો વચ્ચે ગુજરી બજાર મુદ્ે વિવાદ થયા બાદ લોકોના અભિપ્રાયો મેળવ્યા બાદ આજે બજાર ચાલુ રાખવા દેવામાં આવી હતી.
નવાગામના ગાયત્રી ચોકમાં દર બુધવારે ભરાતી ગુજરી બજાર બંધ કરાવવા માટે સતાપક્ષના કોર્પોરેટર પૃથ્વીરાજસિંહ ઝાલાએ લેખિતમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતના અનુસંધાને જામ્યુકોના એસ્ટેટ અધિકારી નિતીન દિક્ષીત તથા એસ્ટેટ વિભાગનો સ્ટાફ બજાર બંધ કરાવવા માટે પહોંચી ગયા હતા. સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. દરમ્યાન બજારના સ્થળે પહોંચેલા વિપક્ષના કોર્પોરેટર રચના નંદાણીયાએ ગરીબ લોકોની રોજગારી તથા અહીં વસતા સ્થાનિકોની સુવિધાને ધ્યાને રાખી આ બજાર ચાલુ રાખવા માટે રજૂઆત કરી હતી. સાથે-સાથે બજાર ચાલુ રાખવી કે બંધ તે અંગે લોકોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના સ્થાનિક લોકોએ ગુજરી બજાર ચાલુ રાખવાનું જણાવતા આજે બજાર યથાવત રાખવામાં આવી હતી.