જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 માં આવેલી પીતળની ભઠ્ઠીમાંથી ચેકિંગ દરમિયાન પોલીસની ટીમે 14 વર્ષની નાની ઉંમરના બે તરૂણ બાળમજૂરોને મુકત કરાવી ભઠ્ઠીના માલિક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેસ-3 માં આવેલા મિલન મનસુખ અમરોલીયાની મહાકાલી ફોર્જીન નામની પીતળની ભઠ્ઠીમાં બાળમજૂરોનું શારીરિક અને આર્થિક શોષણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઇ એન ડી સોલંકી, શ્રમ અધિકારી ડી ડી રામી અને એએસઆઈ રણમલભાઈ ગઢવી, હેકો રાજદિપસિંહ ઝાલા, મહિલા પો.કો. કિરણબેન મેરાણી સહિતના સ્ટાફે ગઈકાલે બપોરના સમયે ચેકીંગ દરમિયાન તલાસી લેતા પીતળની ભઠ્ઠીમાં બે તરૂણ બાળકો મજૂરી કામ કરતા હોવાનું ખુલ્યુ હતું. જેથી પોલીસની ટીમે બંને બાળમજૂરોને મુકત કરાવી અને પીતળની ભઠ્ઠીના સંચાલક મિલન મનસુખ અમરોલીયા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.