જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનના મકાનમાંથી 10 દિવસ પૂર્વે થયેલી 51 હજારની રોકડની તેમજ સમર્પણ સર્કલ નજીક રહેતા યુવાનના મકાનમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી આચરનાર બે મહિલાને સીસીટીવી ફૂટેજના આધારે એલસીબીની ટીમે ઝડપી લઇ ચાર લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ શેરી નં.7-8 માં આવેલા મંગલમ્ રેસીડેન્સીમાં રહેતા કિર્તીસિંહ ઠાકુર નામના ચોકીદારી કરતા યુવાન એપાર્ટમેન્ટના પાર્કીંગમાં બપોરના સમયે નિંદ્રાધિન હતો તે દરમિયાન તેના રૂમમાં બે અજાણી મહિલાઓએ કબાટમાં રાખેલી રૂા.51 હજારની રોકડ રકમની ચોરી કરી લઇ ગઈ હતી તેમજ જામનગરના સમર્પણ સર્કલ નજીક આવેલા અવસર પાર્ટી પ્લોટ પાછળના વિસ્તારમાં રહેતા કમલેશ વિરાભાઈ સોલંકી નામના યુવાનના બંધ મકાનના તાળા પોડી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂા.3.46 લાખની માલમતાની ચોરી કરી ગયાના બનાવની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
દરમિયાન આ બન્ને ચોરીમાં સંડોવાયેલી દેવીપૂજક મહિલાઓ અંગેની એલસીબીના દિલીપ તલાવડિયા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામા તથા ટીમ દ્વારા વોચ ગોઠવી દિગ્જામ સર્કલ પાસેથી પસાર થતી ધ્રોલમાં લતીપુર રોડ પર રહેતી રમાબેન રાજુ વાજેલિયા અને હેતલબેન કાના સાડમિયા નામની બે મહિલાઓને આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.3,00,300 ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રૂા.1,16,000 ની રોકડ રકમ સહિત કુલ રૂા.4,16,300 ની માલમતા મળી આવતા કબ્જે કરી વધુ કાર્યવાહી માટે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવી હતી.