કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં આવેલી દેવીપૂજકવાસમાં રહેતી મહિલાએ રોડ વચ્ચે સાઈકલ રાખવા અંગે પૂછતા બે ભાઈઓએ મહિલા સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી છરી જેવા હથિયાર વડે ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં આવેલા દેવીપૂજક વાસમાં રહેતાં શારદાબેન રમેશભાઈ મકવાણા નામના મજુરીકામ કરતા મહિલાના ઘર પાસે કાચા રસ્તામાં વચ્ચો-વચ્ચ બાળકોની સાઈકલ પડી હતી. જેથી મિલન અને સુનિલ ભૂપત મકવાણા નામના બે ભાઈઓએ મહિલાને સાઈકલ વચ્ચે કેમ પડી છે ? તે બાબતે કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ બન્ને શખસોએ મહિલા સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત મિલને તેના હાથમાં રહેલા છરી જેવા હથિયાર વડે મહિલાના પગમાં ઈજા પહોંચાડી હતી. બાદમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણ થતા હેકો એ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ઘવાયેલ મહિલા શારદાબેનના નિવેદનના આધારે મિલન અને સુનિલ નામના બે ભાઈઓ વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.