જામનગર શહેર અને જિલ્લામાં બુટલેગરો સામે કડક કાર્યવાહી અંતર્ગત પાંચથી વધુ ગુનાઓ નોંધાયેલા સાધના કોલોનીના બે બુટલેગરો વિરુધ્ધ પોલીસ દ્વારા કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટરને મંજૂર કરતા એલસીબીની ટીમે બંને શખ્સોને દબોચી લઇ એકને સુરતની લાજપોર અને બીજાને વડોદરાને જેલમાં ધકેલવા કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લાના બુટલેગરો વિરુધ્ધ પાસાની દરખાસ્ત હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જેમાં જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતાં હિતેશ ઉર્ફે સાકીડો સોમા ચાવડા વિરુધ્ધ પ્રોહિબીશનના દશથી વધુ ગુનાઓ તથા બિપીન સોમા ચાવડા વિરુધ્ધ પાંચથી વધુ પ્રોહિબીશનના ગુનાઓ નોંધાયેલા હોય એલસીબી પીઆઇ જે.વી. ચૌધરી, એમ.બી. ગજ્જર અને પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે આ બંને શખ્સો વિરૂધ્ધ પાસાની દરખાસ્ત મૂકી હતી જે દરખાસ્ત કલેકટર ડો. સૌરભ પારઘીએ મંજૂર કરી હતી. જેના આધારે એલસીબીની ટીમે સાધના કોલોનીમાં રહેતાં બંને ભાઈઓને દબોચી લઇ હિતેશ ઉર્ફે સાકીડાને સુરતની લાજપોર જેલમાં તથા બિપીન ચાવડાને વડોદરાની જેલમાં ધકેલી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.