આગામી ગણેશ મહોત્સવ અંતર્ગત જામનગર શહેરમાં ગણપતિની મૂર્તિઓના વિર્સજન માટે જામનગર મહાપાલિકા દ્વારા પાણીના બે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવશે. ભાવિકોને આ કૃત્રિમ કુંડમાં જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા જામ્યુકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જામ્યુકોના સીટી ઇજનેર ભાવેશ જાનીની યાદી અનુસાર જામનગરમાં રાજકોટ હાઇવે પર સ્કોડા શો રૂમની સામે તેમજ હાપા માર્કેટીંગ રોડ પર ટીપી સ્કીમ પ્લોટ નં. 67/1માં બે જગ્યાએ મૂર્તિ વિસર્જન માટેના કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવશે. પ્રદુષણ ન ફેલાય તેમજ ગણેશજીની મૂર્તિનું યોગ્ય રીતે વિર્સજન થાય તે માટે આ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવશે. ગણેશ વિસર્જન સમયે ભાવિકોને આ કુંડનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.