ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે સૂચન કર્યું હતું કે જે જિલ્લાઓમાં કોરોનાના સંક્રમણનો દર 10 ટકાથી વધુ હોય ત્યાં 8 અઠવાડિયાનું લોકડાઉન લગાવો. ભારત અત્યારે કોરોનાની બીજી લહેરનો સામનો કરવા ઝઝૂમી રહ્યું છે. ઘણા સમયથી સરેરાશ રોજના 4 લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે. બધા રાજ્યો તેની સામે પોતપોતાની રીતે વ્યૂહ અપનાવી રહ્યા છે. તેમને એક સામાન્ય માર્ગદર્શન આપતાં આ સૂચન કરવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજી લહેરમાં યુવાઓ વધુ ભોગ બની રહ્યા છે તેનું કારણ કદાચ એ છે કે યુવાઓ નોકરી-વ્યવસાય માટે બહાર નીકળે છે. બીજું કારણ એ પણ છે કે કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ યુવાનોને વધુ અસર કરે છે. ખાસ કરીને 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને વધારે જોખમ છે.
મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ICMRના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાનું સંક્રમણ દર 21 ટકા છે. 734 જિલ્લાઓમાંથી 310 જિલ્લાઓમાં સંક્રમણ દર ક્યાં તો રાષ્ટ્રીય દર જેટલો છે અથવા એનાથી વધુ છે.
કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને પંજાબ સહિત 16 રાજ્યોમાં દૈનિક કેસનો આંકડો વધી રહ્યો છે. ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, છત્તીસગઢ, બિહાર, મધ્યપ્રદેશ અને તેલંગણા સહિતના 18 રાજ્યોમાં કેસ ઘટી રહ્યાં છે.
ચોકકસ વિસ્તારોમાં સંક્રમણ અટકાવવા દોઢ બે માસનાં લોકડાઉનની જરૂર: ICMR
સંક્રમણ દર 10%થી વધુ હોય ત્યાં સખત લોકડાઉનની જરૂર