સલાયામાં 19 નવેમ્બરના રોજ સવારે આશરે પોણા નવ વાગ્યા આસપાસ વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્ફરના વેપારી કિરીટ વલ્લભદાસ બદિયાણી પોતાની દુકાનનું તાળું ખોલતા હતા ત્યારે બાજુમાં રાખેલ રોકડ રકમ ભરેલ થેલાને બે આરોપીઓ દ્વારા નજર ચૂકવી અને સરકાવી લઈ હોન્ડા દ્વારા નાસી છૂટેલ હતા.
જે બાદ ફરિયાદી દ્વારા પોલીસને જાણ કરતા દ્વારકા જિલ્લા એસપી જયરાજસિંહ વાળા દ્વારા તુરંત આ વિસ્તારમાં નાકા બંધી કરવામાં આવી હતી.અને પોલીસની જુદી જુદી ટુકડીઓ બનાવી અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ આ આરોપી પૈકી એક આરોપી એજાજ રજાક સંઘાર જે અનેક ગુન્હાઓ આચરી ચૂકેલ હોય પોલીસના હાથમાં આવ્યા ન હતા. જે બાદ દ્વારકા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસોજી,એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટુકડીઓ બનાવવામાં આવી હતી અને ખાનગી બાતમી અને હ્યુમન સોર્સિસના આધારે તેમજ સાયબર વિભાગના ટેકનિકલ સ્પોર્ટથી આ બંને આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ જગ્યાઓએ તપાસ ટુકડીઓ પહોંચી હતી.જે દરમ્યાન અમદાવાદ નજીકથી આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જ્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આ બંને આરોપી એજાજ રજાક સંઘાર અને જાકુબ જુનસ સુંભણીયા પાસેથી બે મોબાઈલ તેમજ એક લાખ એકવીસ હજાર જેટલા રોકડ રૂપિયા કબજે કરાયા હતા. રિમાન્ડ દરમ્યાન બંને આરોપીને સલાયા મરીન પોલીસ દ્વારા રિકનટ્રક્શન કરવા સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા હતા.હાલ આ બંને આરોપી રિમાન્ડ ઉપર હોઈ તપાસ ચાલુ છે. 7 લાખ જેટલી રકમ માંથી માત્ર એક લાખ એકવીસ હજાર જેટલા જ રોકડ રકમ કબજે કરાઇ છે. બાકીના પૈસા બાબતે પોલીસ આકરી પૂછપરછ કરી રહી છે. આ બંને આરોપી પૈકી એક એજાજ રજાક સંઘાર ઉપર અત્યાર સુધીમાં 14 જેટલા ચોરી,મારામારી,મિલકત સબંધી અને શરીર સબંધી તેમજ અન્ય મોટા ગુન્હાઓ નોંધાયેલ છે. હાલ પોલીસ આગળ તપાસ કરી રહી છે.


