રાજકોટમાં રહેતાં બે યુવકો સીએનજી રિક્ષામાં દ્વારકાધીશના દર્શન કરી પરત રાજકોટ જતાં હતા ત્યારે ધ્રોલ નજીક સરમરિયા દાદાના મંદિર સામેના રોડ પર પુરપાટ આવતી રિક્ષાને ટ્રકએ ઓવરટેક કરતાં રિક્ષા સાઇડમાં લેવા જતાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દેતાં પલ્ટી ખાઇ જતાં ચાલકનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય યુવાનને ઇજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ રાજકોટમાં આરટીઓ ઓફિસ પાછળ આવેલા નરસિંહનગરની શેરી નંબર 6માં રહેતા મનિષ રાજારામ દેવરિયા અને તેનો ભાઇ હર્ષ રાજારામ દેવરિયા (ઉ.વ.19) નામના બન્ને ભાઇઓ તેમની જીજે03-સીટી-3953 નંબરની સીએનજી રિક્ષામાં દ્વારકાધીશના દર્શન કરી રાજકોટ પરત ફરતા હતા. રવિવારે વહેલી સવારના ત્રણ વાગ્યાના અરસામાં જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક આવેલા સરમારિયા દાદાના મંદિર સામેના રોડ પરથી પસાર થતા હતા ત્યારે એક ટ્રકએ પુરપાટ જતી સીએનજી રિક્ષાને ઓવરટેક કર્યો હતો. જેથી ચાલક રિક્ષા ફુલસ્પીડમાં સાઇડમાં લેવા જતાં કાબૂ ગૂમાવી દીધો હતો. જેના કારણે પુરપાટ જતી સીએનજી રિક્ષા રોડની સાઇડમાં ઉતરી ઝાડ સાથે અથડાતાં અકસ્માતમાં હર્ષ અને મનિષ નામના બન્ને ભાઇઓને ગંભીર ઇજા પહોંચી હતી. બન્ને ઘવાયેલા ભાઇઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હર્ષ દેવરિયા (ઉ.વ.19) નામના યુવકને આંખ, પેટ તથા શરીરે ગંભીર ઇજા થઇ હોવાના કારણે સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના ભાઇ મનિષ દ્વારા જાણ કરાતાોં હે.કો. ડી. પી. વઘોરા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


