મહાન ગાયિકા લતા મંગેશકરને તેમની 93મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક મુખ્ય ચોક પર 14 ટન અને 40 ફૂટની વીણાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. પીએમ મોદીએ આજે આ ચોકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય પ્રવાસન મંત્રી આ કાર્યક્રમમાં જોડાયા હતા.આ સાથે જ રામ કથા પાર્કમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લતા મંગેશકરના જીવન પર આધારિત એક પ્રદર્શન યોજાશે. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાન સંત મહંત અને જનપ્રતિનિધિઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહેમાનો હનુમાનગઢી અને રામજન્મભૂમિમાં દર્શન પૂજા કરશે.
પીએમ મોદીએ આજે ટ્વિટ કર્યું કે, લતા દીદીની જન્મજયંતિ પર તેમને નમન. એવી ઘણી બાબતો છે જે મને યાદ છે…અગણિત વાતચીત જેમાં તેમણે સ્નેહ વરસાવ્યો હતો.મને આનંદ છે કે, આજે અયોધ્યામાં એક ચોકનું નામ તેમના નામ પરથી રાખવામાં આવી રહ્યું છે. મહાન ભારતીય વ્યક્તિત્વને સાચી શ્રદ્ધાંજલિ. 1929માં જન્મેલા લતા મંગેશકરનું આ વર્ષે જ 6 ફેબ્રુઆરીના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમણે ’પરિચય’, કોરા કાગજ અને લેકિન માટે 3 પુરસ્કાર જીત્યા હતા. તેમના સૌથી પ્રતિષ્ઠિત ગીતોમાંનું એક દેશભક્તિ ગીત એ મેરે વતન કે લોગોં…છે.