ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે મધરાત્રિના સમયે સુતેલા એક યુવાન પર ગફલતભરી રીતે આવેલા એક ડમ્પરના ચાલકે પોતાનું વાહન ફેરવી દેતા આ યુવાનનું કરુણ મૃત્યુ નીપજયું હતું.
આ બનાવને પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા- દ્વારકા હાઈ-વે પર હાલ ફોરલેનના કામ ચાલી રહ્યા છે. ખંભાળિયાથી આશરે 30 કિલોમીટર દૂર દાત્રાણા ગામ નજીક કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે રહેતા સિયાભાઈ ગોવાભાઈ કંડોરીયા નામના 32 વર્ષના યુવાન મોડી રાત્રીના સમયે નાસ્તો કરીને સૂતા હતા, ત્યારે આ સ્થળે રોડના કામ માટે ચાલી રહેલા જીજે-10-ટીવી-8992 નંબરના એક ડમ્પરના ચાલકે ગફલત ભરી રીતે પોતાનું વાહન ચલાવીએ નિંદ્રાધીન સીયાભાઈના શરીર પર પોતાનું ડમ્પર ફેરવી દેતા તેમને ગંભીર ઇજાઓ થતાં તેમનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માત સર્જી, આરોપી ડમ્પર ચાલક પોતાનું ડમ્પર મૂકીને નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના મામા લખુભાઈ અરજણભાઈ ચાવડા (ઉ.વ. 55, રહે. દાત્રાણા) ની ફરિયાદ પરથી ડમ્પર ચાલક સામે આઈ.પી સી. કલમ 304(એ), 177, 184 તથા 134 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પીએસઆઈ પ્રદિપસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયાના દાત્રાણા ગામે નિંદ્રાધીન યુવાન પર તોતિંગ ડમ્પર ફરી વળતા કરૂણ મૃત્યુ
ચાલક સામે ફરિયાદ