ખંભાળિયા – દ્વારકા હાઈવે માર્ગ પર ત્રણ દિવસ પૂર્વે એક ટ્રકની હડફેટે સગર્ભા મહિલા સાથે જઈ રહેલા યુવાનના મોટરસાયકલ સાથે સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામના મૂળ રહીશ અને દ્વારકામાં દુકાન ધરાવતા હિંમતભાઈ ખીમાણંદભાઈ ડાંગર નામના 28 વર્ષના વેપારી યુવાન કે જેમના ધર્મપત્ની માયાબેન (ઉ.વ. 22) સગર્ભા હોય, તેઓ ગત તા. 24 મીના રોજ સાંજના સમયે અહીંની ખાનગી હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવી અને તેમના જી.જે. 37 એચ 1404 નંબરના યામાહા મોટરસાયકલ પર બેસી અને પરત જઈ રહ્યા હતા. ત્યારે આશરે સાડા છ વાગ્યાના સમયે ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર સામોર ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા આર.જે. 52 જીએ 5348 નંબરના એક ટ્રકના ચાલકે હિંમતભાઈ ડાંગરના મોટરસાયકલને આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સાથે દંપતી રોડની એક તરફ ફંગોળાઈ ગયું હતું.
આ અકસ્માતમાં બાઈકમાં પાછળ બેઠેલા માયાબેનને ગંભીર ઈજાઓ સાથે 108 એમ્બ્યુલન્સમાં સૌપ્રથમ અહીંની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ તેણીને વધુ સારવારની જરૂરિયાત જણાતા જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં ટૂંકી સારવાર બાદ માયાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત બાઈકમાં જઈ રહેલા ચાલક હિંમતભાઈને પણ ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ જીવલેણ અકસ્માત સર્જી, આરોપી ટ્રક ચાલક ટ્રક લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતક મહિલાના પતિ હિંમતભાઈ ડાંગરની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે આઈ.પી.સી. કલમ 304(એ), 278, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપીના વડપણ હેઠળ પી.એસ.આઈ. વી.બી. પીઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.