જાહેર માર્ગ પર ભયજનક રેસિંગ સ્ટન્ટ કરતાં 13 સ્ટન્ટબાજોને ઝડપી લઇ દ્વારકા ટ્રાફિક પોલીસે વાહનો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જાહેર રોડ ઉપર ભયજનક રેસીંગ સ્ટંટ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા પો.અધિક્ષક નિતેષ પાંડેયની સુચના અનુસાર ઇન્ચાર્જ નાયબ પો.અધિ. વી. પી.માનસેતા, ખંભાળીયા વિભાગના સુપરવિઝન હેઠળ તથા સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લા ટ્રાફીક શાખા, દેવભૂમિ દ્વારકાના પીએસઆઇ વી. એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક શાખાના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તા. 02 જૂનના રોજ નાઈટ રાઉન્ડ દરમિયાન ખંભાળીયા-જામનગર રોડ ઉપર અલગ અલગ જગ્યાએ ટીમો બનાવી સતત પેટ્રોલીંગ રાખી જામનગર, સીક્કા, બેડ તથા સલાયા વિસ્તારના અલગ અલગ સ્ટંટબાજો જાહેર રોડ ઉપર ઓવરસ્પીડમા ભયજનક રીતે સ્ટંટ કરતા 13 મો.સા.ચાલકોને ઝડપી લીધાં હતાં. રેસિંગ તથા ભયજનક સ્ટન્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય સહિતની બાબતો અંગે ચેકિંગ કરી વાહનો ડિટેઇન કરવા સહિતની કડક કાર્યવાહી કરાઇ હતી.


