જામનગરમાં ખોડીયાર કોલોની થી સાત રસ્તા તરફના માર્ગે અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે બાઈક ચલાવનાર શખ્સને પોલીસ વિભાગના સીસીટીવી કેમેરા ની મદદથી શોધી કાઢ્યો હતો, અને તેની સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરમાં લાલવાડી આવાસમાં રહેતો આશિષ રમેશભાઈ ડાભી, કે જે ગત 14મી તારીખે ખોડીયાર કોલોની થી સાત રસ્તા તરફના માર્ગે પુરપાટ ઝડપે પોતાનું બાઈક ચલાવતો હતો, અને અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે પોતાનું વાહન ચલાવ્યું હોવાથી ટ્રાફિક શાખા ની ટીમે જામનગર પોલીસના કમાન્ડ ક્ધટ્રોલ વિભાગ ની મદદ લીધી હતી, અને તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
જે વાહનના રજીસ્ટ્રેશન નંબર ના આધારે ટ્રાફિક પોલીસે આખરે તેને શોધી કાઢ્યો હતો, અને જામનગરની ટ્રાફિક શાખાએ બોલાવી લીધા બાદ તેની ખરાઈ કરવામાં આવી હતી, અને તેણે પોતે 14મી તારીખે બેદરકારી પૂર્વક વાહન ચલાવ્યું હોવાની કબુલાત પણ આપી હતી.
જેથી ટ્રાફિક શાખા ની ફરજ પર હાજર રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ વાળા એ તેનું જીજે 10 ડી. એલ. 2052 નંબરનું બાઈક કબજે કરી લઈ તેને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો હતો, જ્યાં તેની સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 281 તેમજ એમવી એક કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


