જામનગર શહેરના સુભાષબ્રિજથી ગુલાબનગર જતા માર્ગ વચ્ચે રાજપાર્ક નજીક જામનગર મહાનગરપાલિકા દ્વારા રોડ ઉપર પડેલ ખાડાનું પેચવર્ક કામ શરૂ કરવામાં આવ્યું છે. આ પેચવર્કના કામ માટે બ્રિજ ઉપરનો એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવતાં બીજી તરફના માર્ગ ઉપર બન્ને સાઇડથી આવતા વાહનોનો ધસારો થતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામને કારણે આ વિસ્તારમાં અંધાધુંધી વ્યાપી ગઇ હતી. જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ટ્રાફિકજામની સ્થિતિ નિવારવા માટે તાત્કાલિક ટ્રાફિક પોલીસના જવાનો દોડી આવ્યા હતાં. જેમણે પુલ નજીક ટ્રાફિક ખુલ્લો કરાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતાં. સામાન્ય રીતે ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર પેચવર્ક અને મરામતનું કાર્ય રાત્રીના સમયે હાથ ધરવામાં આવે છે. જેથી ટ્રાફિકની કોઇ ગંભીર સમસ્યા ન સર્જાઇ પરંતુ જામ્યુકોના સત્તાધિશોએ પિકઅવર્સમાં જ પેચવર્કનું કામ હાથ ધરતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી. બન્ને તરફ વાહનોનો લાંબો જામ લાગ્યો હતો.