છોટીકાશી જામનગર શહેરમાં ગઇકાલે ઠેર-ઠેર હોલીકા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની વર્ષો જુની પ્રખ્યાત ભોઇ સમાજની હોલી દહન ઉપરાંત શહેરમાં અનેક નાના-મોટા વિસ્તારો શેરી-ગલીઓમાં હોલીકા દહન કાર્યક્રમ યોજાયો હતો. ભોઇ સમાજની હોલી દહનમાં સાંસદ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગર સહિત હાલાર પંથકમાં ગઇકાલે હોલીકા દહનની ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમના હોલીકા દહનની ઉજવણી થાય છે પરંતુ આજે ચંદ્ર ગ્રહણને કારણે ગઇકાલે હોલીકા દહન થયું હતું જામનગર શહેરમાં છેલ્લા 70 વર્ષથી શાક માર્કેટ વિસ્તારમાં ભોઇ સમાજ દ્વારા હોલીકા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગઇકાલે સોમવારે હોલીકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હોલીકા દહનના કાર્યક્રમ પૂર્વે ભોઇ સમાજની વાડીએથી આ હોલીકા દહન માટે તૈયાર કરાયેલા પુતળાને વાજતે ગાજતે શાક માર્કેટ સુધી લઇ જવામાં આવ્યું હતું જેમાં ભોઇ જ્ઞાતિના લોકો ઉત્સાહભેર જોડાયા હતાં. ત્યારબાદ રાત્રીના સમયે હોલીકા દહન યોજાયું હતું જેમાં શહેરીજનો વિશાળ સંખ્યામાં ઉમટયા હતાં.
View this post on Instagram
આ તકે હાલારના સાંસદ પૂનમબેન માડમ, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કોર્પોરેટરો ગોપાલભાઇ સોરઠીયા, આશાબેન રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત જામનગર શહેરમાં શેરી-ગલીઓમાં અનેક સ્થળોએ હોલીકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ હોળીનો રથ કરી રાત્રીના હોળી માતાની પ્રદક્ષિણા કરી શ્રીફળ, ધાણી-દાળીયા હોમી પૂજા અર્ચના કરી હતી.


