ગુરુવારે રિલીફ રોડ પર ઇલેકટ્રોનીક બજાર એસોસિએશન અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા જીએસટીના નવા નિયમના વિરોધમાં રિલીફ રોડ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન વેપારીઓ ઉગ્ર સૂત્રોચાર કરીને રિલીફ રોડનો ટ્રાફિક જામ કર્યો હતો.
જીએસટીના નવા નવા નિયમોથી કંટાળેલા વેપારીઓ હવે રસ્તા પર આવા લાગ્યા છે. વેપારીઓ વેપાર કરી શકતા નથી તેટલો સમય જીએસટી પળોજણમાં ગુચવાયેલા રહે છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયાના ચેરમેન મહેન્દ્ર શાહે જણાવ્યું કે, વેપારીઓની ભૂલના કારણે તેમને મોટા દંડનો સામનો કરવો પડે છે. નવા નિયમ પ્રમાણે વેપારીઓની ભૂલના કારણે તેમના ઇનવોઇસ બંધ કરી દેવા તેમજ રિટર્ન ફાઇલ કરવાના બંધ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત વેપારીઓને પોતાની ક્રેડિટ લેવા માટે પણ તકલીફ પડી રહી છે. કરદાતાઓના બેન્ક એકાઉન્ટ પર ટાંચ મુકવામાં આવી રહ્યાં છે.
જીએસટીના નવા નિયમો અને અધિકારીઓની તાનાશાહીથી કંટાળેલા વેપારીઓએ ગુરુવારે રસ્તા ઉપર આવીને સૂત્રોચાર કર્યો હતો. વેપારીઓ શુક્રવારે બંધ પાળીને જીએસટીના નવા નિયમ અને અધિકારીઓની તાનાશાહીનો વિરોધ કરશે.