જામનગર શહેરના નાગરપરા વિસ્તારમાંથી ચાર દિવસ પૂર્વે રાત્રીના સમયે પ્રૌઢ વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી રૂા.45,000ની રોકડની લૂંટનો એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી બે લૂંટારુંઓને ઝડપી લઇ 13,700ની રોકડ અને બાઇક સહિતના મુદામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં નાગરપરા વિસ્તારમાં રહેતા અને ગ્રેઇન માર્કેટમાં જયોતિ ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન ચલાવતા પ્રકાશભાઇ લાલ ગત તા.4ના રોજ રાત્રીના સમયે તેની દુકાનેથી વેપારની રકમ લઇ ઘરે જતાં હતાં. તે દરમ્યાન નાગરપરા વિસ્તારમાં પહોંચ્યા ત્યારે બે અજાણ્યા શખ્સોએ આવીને બાઇકને ધકકો મારી વેપારીને પછાડી દઇ આંખમાં મરચાની ભુકી છાંટી એકટીવામાં ટીંગાડેલી 45,000ની રોકડ ભરેલી થેલીની લુંટ ચલાવી નાશી ગયા હતાં. ત્યારબાદ આ અંગેની જાણ કરતાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા સુનીલ જોષીની સુચનાથી એલસીબી પીઆઈ એસ.એસ.નિનામા તથા પીઆઇ કે.એલ.ગાધે અને એન.વી. મોઢવાડિયા તથા એલસીબીના પીએસઆઈ કે.કે.ગોહિલ, બી.એમ.દેવમુરારી, આર.બી.ગોજીયા તથા જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બશીર મલેક, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, શરદ પરમાર, હિરેન વરણવા, દિલીપ તલાવાડિયા, ફિરોજ દલ, ખીમભાઇ ભોંચિયા, લાભુ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાંધલ, વનરાજ મકવાણા, પ્રતાપ ખાચર, નિર્મળસિંહ બી.જાડેજા, અશોક સોલંકી, મિતેશ પટેલ, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, નિર્મળિંસંહ એસ. જાડેજા, લક્ષ્મણ ભાટિયા, સુરેશ માલકિયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા, અરવિંદગિરી સહિતના સ્ટાફે જુદી-જુદી ટીમો બનાવી લૂંટનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
દરમિયાન દિલીપ તલાવડિયા, ફિરોજ ખફી, હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ટીમે જામનગરના ટીટોડીવાડી વિસ્તારમાં દારૂલ મદ્રેસા પાસેથી લૂંટમાં સંડોવાયેલા કામીલ જાનમામદ બ્લોચ નામના શખ્સની અટકાયત કરી હતી તેમજ સીટી સી ના વિજય કાનાણી, રવિ શર્મા અને મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા ટીમે ખોજાનાકા લાલખાણ પાસેથી ઈમ્તિયાઝ સીદીક કુરેશી નામના શખ્સને દબોચી લીધો હતો. પોલીસે કામીલ જાનમામદ બ્લોચ પાસેથી રૂા.9400 અને ઈમ્તિયાઝ સીદીક કુરેશી પાસેથી રૂા.3700 ની રોકડ અને લૂંટમાં ઉપયોગ લેવાયેલ 40 હજારની કિંમતનું બાઇક કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા ઈમ્તિયાઝ કુરેશી અગાઉ પ્રકાશલાલને ત્યાં નોકરી કરતો હતો અને જેના કારણે તે વેપારીના સમયથી વાકેફ હતો. ઈમ્તિયાઝે કામીલ સાથે મળી લૂંટનો પ્લાન ઘડી અને રોકડની લૂંટ ચલાવી હોવાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.