આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં શહેરનાં નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. તો બીજી તરફ વલસાડ, ખેડા, નડિયાદ, ડાકોર, માતર સહિતના પંથકોમાં આજે મેઘરાજા વરસ્યા છે. સવારથી જ વરસાદ પડતા ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. તો લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી છે.
જ્યારે નડિયાદ શહેરના શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાતા વિદ્યાર્થીઓને બસની બારીમાંથી બહાર કઢાયા હતા. ગોધરામાં વરસેલા અનરાધાર વરસાદથી વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. તો બીજી બાજુ વીજ કરંટથી 4 પશુઓના મોત નિપજ્યા છે. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી માર્કેટિંગ યાર્ડ ખાતે મુલાકાતે આવ્યા હતા અને ખેડૂતો સાથે બેઠક કરીને નુકસાન વિશે ચર્ચાઓ કરી હતી. વડોદરા શહેર અને જિલ્લામાં મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો. સવાર સુધીમાં વડોદરામાં 1 ઇંચ, સાવલીમા 2 અને ડેસર તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
નડિયાદ શહેરમાં શનીવારે વહેલી સવારે વરસેલા વરસાદના કારણે શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાઈ ગઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં બસના ચાલકે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકી કોલેજ બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતાં અધવચ્ચે ખોટકાઈ હતી. ગરનાળામાં અધવચ્ચે બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા. આસપાસના નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી બસની બારીમાંથી વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા.
સતત બે કલાક સુધી અવિરત ચાલુ રહેલા વરસાદના લીધે ગોધરા શહેરમાં આવેલા અંકલેશ્વર મહાદેવ, લાલબાગ બસ સ્ટેન્ડ, ભુરાવાવ વિસ્તાર, શહેરા ભાગોળ, સિંધુરી માતા મંદિર, આદ્ય મહેશ્વરી સોસાયટી, સિંધી ચાલી ખાડી ફળિયા, ચિત્રાખાડી તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. તો કેટલાક વિસ્તારમાં ગટર લાઈન બ્લોક થઈ જતા ગંદુ પાણી રોડ ઉપર રેલાવા લાગ્યું હતું. તેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આમ પંચમહાલ પંથકમાં મેઘરાજાનું આગમન થયા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.