Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકાલે છ મહાનગરોની શાસનધૂરાનો ફેંસલો

કાલે છ મહાનગરોની શાસનધૂરાનો ફેંસલો

જામનગરની 64 સહિત કુલ 576 બેઠક માટે આવતીકાલે મતદાન : 2276 ઉમેદવારો મેદાનમાં એસઆરપી અને પોલીસ જવાનો ખડે પગે રાજયમાં 50,000થી વધુ સામે અટકાયતી પગલાં: સોશ્યલ મિડીયામાં પ્રચાર-અપપ્રચાર વેગીલો બન્યો

- Advertisement -

રાજયની 6 મહાપાલિકા માટે મતદાનનો તખ્તો તૈયાર થઇ ચૂકયો છે. આવતીકાલે રવિવારે જામનગર સહિત છ મહાપાલિકાના કુલ 144 વોર્ડની 576 બેઠકો માટે મતદાન યોજાશે. મતદારો કુલ 2,276 ઉમેદવારોનું ભાવી નકકી કરશે. તેમજ મહાપાલિકાની શાસનધૂરા કોના હાથમાં સોંપવી તેનો પણ ફેસલો કરશે. ચૂંટણી તંત્રો અને પોલીસ દ્વારા શાંતીપૂર્ણ મતદાન માટેની તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. આવતીકાલે રાજયની છ મહાપાલિકા જામનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર માટે મતદાન યોજાશે. આ તમામ મહાપાલિકાની કુલ 576 બેઠક માટે ભાજપે 575, કોંગ્રેસ 564, આમ આદમી પાર્ટી એ 469 ઉમેદવારો, મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે તમામ મહાપાલિકામાં આમ આદમી પાર્ટીનું નવું ફેકટર ઉમેરાયું છે. જેને કારણે ચૂંટણી જંગ રસપ્રદ બની રહેવાની સંભાવનાઓ જોવાઇ રહી છે. મતદારો આવતીકાલે પોતાનો ફેસલો આપી દેશે. જેની જાહેરાત 23 ફેબ્રુઆરીએ મતગણતરી દરમ્યાન થશે. બીજી તરફ ચૂંટણીપંચ અને વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન માટે 3,411 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. મતદાન દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે માટે રાજયમાં એસઆરપીની 44 કંપની અને 25,000 જેટલાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. રાજયના પોલીસવડા આશિષ ભાટીયાના જણાવ્યા અનુસાર શાંતિપૂર્ણ ચૂંટણી માટે 14,486 પરવાનાવાળા હથિયારો જમા કરી લેવામાં આવ્યા છે. જયારે 50,000થી વધુ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ચૂંટણીના પગલે સમગ્ર રાજયમાં 97 જગ્યાએ ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જામનગરના 16 વોર્ડની 64 બેઠક માટે 236 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ તમામ 64, કોંગ્રેસ 62 અને આપ 48 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. જાહેર પ્રચાર ગઇ સાંજથી બંધ થઇ ગયો હોય ચૂંટણી જીતવા માટે આજની રાતને કતલની રાત માનવામાં આવે છે. ઉમેદવારો અને પક્ષો સામ, દામ, દંડ, ભેદની નીતિ અખત્યાર કરી મતદારોને પોતાના પક્ષના લાવવાના પ્રયાસો લાગી ગયા છે. સોશ્યલ મિડીયામાં પણ જોરશોરથી પ્રચાર અને અપપ્રચારનો દોર શરૂ થઇ ચૂકયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular