દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે પીએમ મોદીએ ફરી એક વખત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. કહેવાય છે કે 17 માર્ચના રોજ થનારી આ બેઠકમાં પીએમ મોદી કોરોના વાયરસના વધી’ રહેલા કેસ અને રસીકરણ ઉપર ભાર મુકવાના મુદ્દાને લઈને ચર્ચા કરશે. પીએમ મોદી બેઠક દરમિયાન મુખ્યમંત્રીઓ સાથે અત્યાર સુધીની કોરોના સામેની જંગ અને રસીકરણ અભિયાન ઉપર ફિડબેક પણ લેશે. પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથેની બેઠક વીડિયો કોન્ફરન્સ મારફતે કરશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 26291 નવા મામલા સામે આવ્યા છે. ત્યારબાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1,13,85,339 થઈ છે. જ્યારે કોરોનાના કારણે 118 વધુ મૃત્યુ નોંધાયા છે. જેથી કુલ મૃત્યુઆંક 1,58,725 થઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 2,19,262 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસની સંખ્યા 1,10,07,352 છે. દેશમાં કુલ 2,99,08,038 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.
બીજી તરફ પંજાબમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાને લઈને રાજ્ય સરકારે ફરીથી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે 10મા અને 12માની બોર્ડની પરિક્ષા પણ ટાળવાનો નિર્ણય લીધો છે. પંજાબના શિક્ષણ વિભાગ મુજબ રાજ્યમાં 22 માર્ચથી શરૂ થનારી 12ની પરિક્ષા હવે 20 એપ્રિલથી 24 મે સુધી કરાવાશે. જ્યારે 9 એપ્રિલથી શરૂ થનારી 10માની પરિક્ષા હવે 4 મેથી 24 મે સુધી લેવામાં આવશે. કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને લઈને સુરતમાં કોરોના સ્પેશિયલ હોસ્પિટલ ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 500 બેડની હોસ્પિટલ ફરીથી શરૂ થશે. કોરોનાના કેસમાં ઘટાડા બાદ હોસ્પિટલ બંધ કરવામાં આવી હતી.