આજે સમગ્ર વિશ્વ ચકલીઓના સંવર્ધન માટે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી રહયું છે. શહેરી વિસ્તારોમાંથી લુપ્ત થઇ રહેલી ચકલીઓ અંગે ચિંતા વ્યકત કરીને આ ચકલીઓને પુન: આપણા જીવનનો એક ભાગ બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે. જે અંતર્ગત જામનગર શહેરમાં પણ આજે ચકલી દિવસ નિમિતે વિવિધ પર્યાવરણ સંસ્થાઓ ખાસ કરીને પક્ષી બચાવ અભિયાનના ફિરોઝખાન પઠાણ દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાનું શહેરીજનો ખાસ કરીને પક્ષી અને પર્યાવરણ પ્રેમીઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપા પ્રમુખ વિમલ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વ શહેર પ્રમુખ નિલેશભાઇ ઉદાણી સહિતના આગેવાનોએ ભાગ લીધો હતો. કોર્પોરેટર તેમજ પક્ષી પ્રેમી ડિમ્પલ રાવલે જામસાહેબ શત્રુશલ્યસિંહજીને ચકલીનો માળો અર્પણ કર્યો હતો.