આજે શ્રાવણી અમાસ, પવિત્ર શ્રાવણ મહિનાનો આજે અંતિમ દિવસ હોય. શિવભક્તો આજે વ્હેલી સવારથી જ શહેરના જુદા જુદા શિવાલયોમાં ભગવાન ભોળાનાથની આરાધના માટે ઉમટી પડયા હતાં. શ્રાવણી અમાસના દિવસે પિતૃ તર્પણનો પણ મહિમા હોય, લોકોએ પોત-પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે શિવાલયમાં પટાંગણમાં આવેલા પીપળાને જળ અર્પણ કર્યું હતું. આજ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ હોવાના કારણે શહેરમાં ભીડ ભંજન, સિધ્ધનાથ મહાદેવ, કાશિ વિશ્ર્વનાથ મહાદેવ, પ્રતાપેશ્ર્વર મહાદેવ, રામેશ્ર્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ, ઇચ્છેશ્ર્વર મહાદેવ, જડેશ્ર્વર મહાદેવ, નાગેશ્ર્વર મહાદેવ, ગંગેશ્ર્વર મહાદેવ સહિતના શિવાલયોમાં શ્રધ્ધાળુઓ બિલ્વપત્ર અને જળ કળશ સાથે સવારથી જ લાઇનમાં ગોઠવાઇ ગયા હતાં. ભોળાનાથને રિઝવવા માટે કોઇ કસર છોડી ન હતી.