ખંભાળિયામાં બેઠક રોડ વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને અત્રે બરછાપાડા વિસ્તારમાં રહેતો વીરૂગીરી ઉર્ફે વિરેન્દ્ર સંજયગીરી ગોસ્વામી નામનો શખ્સ આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી, અપહરણ કરીને લઈ ગયા બાદ તેણી સાથે દુષ્કર્મ ગુજારવા સબબ સગીરાના પિતાએ ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ઉપરોક્ત શખ્સ જામીન પર છૂટ્યા બાદ તેના દ્વારા ફરિયાદી પરિવારના ઘરે જઈ અને આ અંગેનું સમાધાન કરવા અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. આટલું જ નહીં, તેના દ્વારા બિભત્સ ગાળો કાઢી, છરી બતાવી અને અગાઉની ફરિયાદનું તેઓ સમાધાન નહીં કરે તો સગીરા તથા તેણીના માતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અહીંના પોલીસ મથકમાં વીરુગીરી ઉર્ફે વિરેન્દ્ર ગોસ્વામી સામે સગીરાના માતાએ ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસ આઈ.પી.સી. કલમ 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.