કોરોનાની મહામારી વચ્ચે રવિવારે દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે. આ જંગમાં સૌથી વધુ નજર હતી ત્યાં પશ્ર્ચિમ બંગાળન મુખ્યમંત્રી મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે હરીફ પક્ષ ભાજપને કારમો પરાજય આપીને સતત ત્રીજી વખત સત્તા હાંસલ કરી છે.
બીજી બાજુ ભાજપે આસામમાં સત્તા જાળવીને આબરૂ બચાવી લીધી છે. જોકે અતિ મહત્વના વધુ એક રાજ્ય તમિલનાડુમાં તેણે જે સત્તારૂઢ પાર્ટી એઆઇએડીએમકે સાથે ગઠબંધન કર્યું હતું તેની નૌકા ડૂબી ગઇ છે. એમ સ્ટાલિનની આગેવાની હેઠળ ડીએમકે અને સાથી પક્ષોએ એઆઇએડીએમકેના સૂપડાસાફ કરી દીધા છે. કેરળમાં ડાબેરીઓ ફરી વખત સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યા છે. પુડુચેરીમાં લોકોએ એઆઇએનઆરસીની આગેવાની હેઠળ એનડીએને સત્તાનું સુકાન આપવા તરફ મતદાન કર્યું છે.
કોરોનાની બીજી લહેર સાથે માર્ચ અને એપ્રિલમાં આ રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી થઇ હતી. પશ્ચિમ બંગાળમાં જીત માટે બીજેપી અને ટીએમસીએ એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનરજીની ભાષણબાજી મામલે અનેક વખત વિવાદ પણ થયા હતા. જોકે મમતાની ટીએમસી પશ્ર્ચિમ બંગાળમાં પ્રચંડ દેખાવ કરવા તરફ અગ્રેસર થઇ છે. છેલ્લાં અહેવાલ મુજબ તેણે 199 બેઠકો વિજય હાંસલ કરી લીધો હતો