ખંભાળિયાના ખામનાથ વિસ્તાર નજીક આવેલી શીવમ સોસાયટીમાં એક ભાડાના મકાનમાં રહેતા પ્રવિણભાઈ મનસુખલાલ બગથરીયા નામના 43 વર્ષના યુવાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં નિષ્પ્રાણ મૃતદેહ શનિવારે સવારે તેમના રહેણાંક મકાનમાંથી સાંપડ્યો હતો.
આપઘાતના બનાવ અંગે હાલ ગાંધીનગર ખાતે રહેતા મૃતકના ભાઈ ભાવેશભાઈ મનસુખલાલ બગથરીયા (મૂળ રહે. જામજોધપુર)એ અહીંની પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ પ્રવીણભાઈને છેલ્લા બે વર્ષથી તેમના પત્ની તથા સાળા સાથે મનદુ:ખ ચાલતું હોય, જેનાથી કંટાળીને શુક્રવારે સાંજથી શનિવારે સવારે 11 વાગ્યાના સમયગાળા દરમિયાન પ્રવીણભાઈએ પોતાના પરિવારજનોની ગેરહાજરીમાં પોતાના હાથે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી અને અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી છે.