જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી યુવતીને અહીંના પતિ દ્વારા લગ્નજીવન દરમિયાન શારીરિક – માનસિક ત્રાસ આપી મારકૂટ કરતો હતો અને યુવતી જે પૈસા કમાય તે પણ ખર્ચ કરી નાખી દહેજની માંગણી કરતા પતિના ત્રાસથી કંટાળેલી યુવતીએ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતકના પતિ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી અંકિતાબેન પ્રશાંત સંચાણિયા નામની પરિણીત યુવતીને તેણીના પતિ પ્રશાંત કિશોર સંચાણિયા દ્વારા લગ્નજીવન દરમિયાન શારીરિક માનસિક ત્રાસ આપી બહાર જવા માટે ખર્ચના પૈસા પણ આપતો ન હતો. ઉપરાંત વારંવાર મારકુટ કરી હેરાન પરેશાન કરતો હતો. તેમજ યુવતી ભરથગુથણનું કામ કરીને જે આવક મેળવતી હતી તે પણ પતિ વાપરી નાખતો હતો અને ‘તું માનસિક છો, તું ધુણે છે’ એવું કહી માનસિક ટોર્ચર કરી માવતરના ઘરેથી 5ૈસા અને બાઈક લઇ આવવાનું કહી દહેજની માંગણી કરતો હતો. પતિ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને મરી જવા મજબુર થઈ જતાં અંકિતાબેને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકના પિતા ચંદ્રેશભાઈ વસવેલિયા દ્વારા સીટી બી ડીવીઝનમાં પ્રશાંત સંચાણિયા વિરૂધ્ધ મરી જવા મજબુરની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ ઝાલા દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.