કાલાવડ ગામમાં દોઢ વર્ષ પહેલાં થયેલા ઝઘડામાં પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાખી અવાર-નવાર પરિવાર સાથે ઝઘડો કરી મારકૂટ કરતા દશ જેટલા શખ્સોના અસહ્ય ત્રાસથી કંટાળીને વૃધ્ધાએ ફીનાઈલ પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે બનાવમાં મરી જવા મજબુર કર્યાની દશ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં આંબેડકરનગર વિસ્તારમાં રહેતાં પ્રફુલ્લભાઈ ઉર્ફે રસિકભાઇ ઉગાભાઈ સોંદરવા નામના મજૂરી કરતા યુવાનને દોઢ વર્ષ અગાઉ અમુ ચના સોલંકી તથા તેના પરિવાર સાથે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં કરાયેલી પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાત્રી અમુ ચના સોલંકી, હંસાબેન અમુ સોલંકી, રેખાબેન અમુ સોલંકી, ગોવિંદ ચના સોલંકી, જયાબેન સોલંકી, વિનોદ અમુ સોલંકી, સોનલબેન વિનોદ સોલંકી, કિશોર અમુ સોલંકી, જયોતિબેન કિશોર સોલંકી તથા વિરજી ડાયા સોંદરવા સહિતના 10 શખ્સો દ્વારા અવાર-નવાર ઝઘડાઓ અને માથાકૂટ કરી પ્રફુલ્લભાઈ અને તેના પરિવારને ત્રાસ આપતા હતાં. પરિવારના 10 શખ્સો દ્વારા અપાતા અસહ્ય ત્રાસથી કંટાળીને પ્રફુલ્લભાઈના માતા રામીબેન ઉગાભાઈ સોંદરવા નામના વૃધ્ધાને મરી જવા મજબુર કરતા તેણીએ ગત તા. 06 ના રોજ રાત્રિના સમયે તેના ઘરે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
અસહ્ય ત્રાસથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરનાર રામીબેન નામના વૃધ્ધાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની મૃતકના પુત્ર પ્રફુલ્લભાઈ દ્વારા જાણ કરાતા પીઆઈ એન બી ડાભી તથા સ્ટાફે પ્રફુલ્લભાઈના નિવેદનના આધારે પાંચ મહિલાઓ સહિતના 10 શખ્સો વિરૂધ્ધ વૃધ્ધાને મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.