દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે આભ નિચોવાયા બાદ આજે સવારથી મેઘરાજાએ ફરી સટાસટી બોલાવી છે. આજ સવારથી બપોરે બાર વાગ્યા સુધીમાં ખંભાળિયામાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબકયો છે. જયારે કલ્યાણપુર તાલુકામાં પણ વધુ 3 ઇંચ વરસી જતાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. ગઇકાલે મેઘરાજાએ યાત્રાધામ દ્વારકાની હાલત ખરાબ કર્યા બાદ આજે વધુ બે ઇંચ પાણી વરસાવતાં દ્વારકાવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી બપોરે બાર વાગ્યા સુધીમાં દ્વારકા તાલુકામાં 49 મિલીમીટર (બે ઈંચ), ખંભાળિયા તાલુકામાં સાડા આઠ ઈંચ (217 મિલીમીટર), કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઈંચ, (80 મિલીમીટર) અને ભાણવડમાં ચાર મિલીમીટર વરસાદ નોંધાયો છે.
આ સાથે છેલ્લા 26 કલાક દરમિયાન ખંભાળિયા તાલુકામાં 14 ઈંચ (347 મિલીમીટર), દ્વારકા તાલુકામાં સાડા 11 ઈંચ (283 મિલીમીટર), કલ્યાણપુર તાલુકામાં કુલ 177 મિલીમીટર (સાત ઈંચ) પાણી પડી ગયું છે. ભાણવડ પંથકમાં મેઘરાજા ધીમા રહ્યા હતા અને ગઈકાલે 36 તથા આજે માત્ર 4 મિલીમીટર મળી કુલ 40 મિલીમીટર વરસાદ નોંધાયો છે.