અલગતાવાદી યાસીન મલિકને ટેરર ફંડીંગ મામલે કોર્ટે આજીવન કેદની સજા સંભળાવતા તેના વિરોધમાં કાશ્મીરમાં તનાવની પરીસ્થિતિ ઉભી થઈ છે, તેના સમર્થકોએ હિંસક વિરોધ કર્યો છે. મલિકનો ચુકાદો આવતા પહેલા કાશ્મીરમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થયો હતો. શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં યાસીન મલિકના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. યાસીનના સમર્થકોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો. યાસીન મલિકનું ઘર મૈસુમામાં આવેલુ છે. અહીં મલિકના સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ભીડને કાબુમાં લેવા સુરક્ષાદળોએ ટીયર ગેસના સેલ છોડયા હતા. દેખાવકારોએ યાસીન મલિકના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો હતા. વહીવટી તંત્રે તાત્કાલીક અસરથી ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું. પથ્થરમારાની ઘટના બાદ શહેર પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. યાસીન મલિકના સમર્થનમાં શ્રીનગરમાં દુકાનો અને બજારો બંધ છે. દરમિયાન લાલ ચોકમાં કબુતરો ઉડતા જોવા મળ્યા હતા. બીજી બાજુ યાસીન મલિકના ઘરની બહાર કડક સુરક્ષા બંદોબસ્ત જોવા મળ્યો હતો. ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. શ્રીનગરમાં અર્ધ લશ્કરી દળો અને પોલીસ તૈનાત કરી દેવાઈ છે.