ખંભાળિયામાં વર્ષ 2021 દરમિયાન જામનગરના એક શખ્સ સામે નોંધાયેલા આઈ.ટી. એક્ટ તેમજ પોક્સો એક્ટના ગુનામાં ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો અદાલતે જામનગરના આ આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ. 1,00,000 દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ અગાઉ ખંભાળિયામાં રહેતી અને હાલ પરિણીત એવી એક યુવતીના ન્હાતી વખતે જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા અનિલ વિરમભાઈ રાજગોર નામના પરણિત શખ્સ દ્વારા ફોટો ઉતારી અને ટ્રીક વડે તેના ન્યુડ વિડિયો બનાવ્યા હતા. આ વિડીયો તેણે બતાવી અને વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદી યુવતીના મોબાઈલમાંથી પોતાના ન્યૂડ વિડીયો તથા ફોટોગ્રાફ મોકલવા દબાણ કર્યા બાદ આરોપી અને રાજગોર દ્વારા તેણીના ફોટા ફેસબુકમાં જુદા-જુદા નામથી ફેક આઈડી બનાવી અને આ આઈડી પરથી તેણીના પતિ તથા અન્ય વ્યક્તિને મોબાઈલમાં મોકલ્યા બાદ ઇન્ટરનેટ કોલ કરી અને તેણીને ધમકી આપી હતી. આટલું જ નહીં, ફરિયાદી યુવતી ચારિત્રહીન હોય હોવાના આક્ષેપો મૂકી અને તેણીને પોતાના પતિને છોડી અને આરોપીએ પોતાની સાથે સંબંધ રાખવા ધમકી આપી હોવાનું વધુમાં ખુલવા પામ્યું હતું. જે અંગે યુવતી દ્વારા ત્રણેક વર્ષ પૂર્વે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો હતો.
આ અંગેનો કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતમાં ચાલી જતા આ અંગે ભોગ બનનારની જુબાનીને ધ્યાને લઈ, અને આ સંદર્ભે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ કરવામાં આવેલી વિવિધ દલીલોને ધ્યાને લઈને અદાલતે આરોપી અનિલ વિરમભાઈ રાજગોરને આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ત્રણ વર્ષની સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ચૂકવવા માટે હુકમ કર્યો છે.