ભાણવડ પંથકમાં રહેતા એક પરિવારની સગીર પુત્રી આજથી આશરે સાડા ત્રણ વર્ષ પૂર્વે બજારમાંથી ઘરે આવતી હતી, ત્યારે ભાણવડના નવલ ઉદય વાઘેલા નામના શખ્સે મોટરસાયકલ પર આવી અને આ સગીરાની બાજુમાં મોટરસાયકલ રાખી, તેણીનો હાથ પકડી લેતા આ સગીરાએ રાડારાડી કરી મૂકી હતી. જેથી આરોપી નવલ સગીરાનો હાથ મૂકીને નાસી ગયો હતો.
આ બનાવના દસેક દિવસ પછી તારીખ 6 માર્ચ 2021 ના રોજ સગીરાની મોટી બહેન એક હોસ્પિટલમાં હતી, ત્યારે નવલ ઉદય વાઘેલા તેની પાસે આવ્યો હતો અને ડોક્ટરની પૂછપરછ કરી, ડોક્ટર ના હોવા બાબતે યુવતીને બિભત્સ ગાળો કાઢી બેફામ બકવાસ કરતા અન્ય લોકો વચ્ચે આવતા તે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ચાલ્યો ગયો હતો.
આટલું જ નહીં, આ પહેલાં પણ આ શખ્સ બિભત્સ ઇશારા કરતો હોવા અંગેની જાણ યુવતીએ તેણીના માતા-પિતાને કરતા આ યુવતીની સગીર બહેન દ્વારા પોતાની સાથે દસ દિવસ પૂર્વે બનેલો બનાવ પરિવારજનોને કહ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે યુવતીની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે નવલ ઉદય વાઘેલા સામે આઈપીસી કલમ 354(ડી), 504, 506 (2), 114 તથા પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી, પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા આ અંગેની જરૂરી કાર્યવાહી કરી, આરોપીની અટકાયત બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ કેસ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આ પ્રકરણના 12 સાહેદોની તપાસ તેમજ તપાસનીસ અધિકારીની જુબાની અને સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, સ્પેશિયલ પોકસો જજ વી.પી. અગ્રવાલએ આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂપિયા 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.