Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના એડવોકેટ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં ત્રણ શખ્સો કલકતામાંથી ઝડપાયા

જામનગરના એડવોકેટ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં ત્રણ શખ્સો કલકતામાંથી ઝડપાયા

જયેશ પટેલની લંડનમાં ધરપકડ : સત્તાવાર સમર્થન બાકી : ત્રણ વર્ષ પૂર્વે રાત્રિના સમયે સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા : ભૂમાફિયા જયેશ પટેલે સોપારી આપી હત્યા કરાવ્યાની ફરિયાદ : જયેશ પટેલ વિરૂધ્ધ ત્રણ ડઝનથી વધુ ગુનાઓ : એલસીબી ટીમ કલકતાથી જામનગર આવવાર રવાના

- Advertisement -

જામનગર શહેરમાં ભરચકક એવા ટાઉનહોલ વિસ્તારમાં વર્ષ 2018 મા રાત્રિના સમયે એડવોકેટ કિરીટ જોશી ઉપર અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યાના બનાવમાં જયેશ રાણપરિયા દ્વારા સોપારી આપી હત્યા નિપજાવ્યાનો ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં જામનગર પોલીસને મહત્વની સફળતા સાંપડી છે. જેમાં કલકતામાંથી ત્રણ શખ્સોને દબોચી લઇ જામનગર લઇ આવવા એલસીબીની ટીમ રવાના થઈ ગઈ છે.

- Advertisement -


ચકચારી પ્રકરણની વિગત મુજબ, જામનગર શહેરના ટાઉન હોલ પાસેના રોડ પર ત્રણ વર્ષ પૂર્વે રાત્રિના સમયે એડવોકેટ કિરીટ જોશી ઉપર અજાણ્યા શખ્સોએ છરીના આડેધડ અસંખ્ય ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવી હતી. આ ચકચારી પ્રકરણમાં એડવોકેટના પરિવારજનો દ્વારા ભૂમાફિયા જયેશ મુળજી રાણપરિયા એ સોપારી આપી હત્યા નિપજાવ્યાની વિધિવત ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. પરંતુ જયેશ પટેલ વિરૂધ્ધ જમીન પચાવી પાડવાના અસંખ્ય ગુનાઓ અને ફાયરીંગ કરાવ્યાના ગુનાઓ નોંધાયેલા છે. જેથી જયેશ કિરીટ જોશીની હત્યા પૂર્વે જ દેશ છોડી નાશી ગયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા આ પ્રકરણમાં અનેક શખ્સોની અટકાયત કરવામાં આવી હતી પરંતુ મુખ્ય હત્યારાઓ અને સોપારી આપનાર જયેશ પટેલ હજુ પોલીસના હાથે ઝડપાયા ન હતાં.

- Advertisement -


દરમિયાન જામનગર જિલ્લા પોલીસવડા તરીકે ટૂંકા સમયગાળા માટે દિપન ભદ્રનની જયેશ પટેલ પ્રકરણ માટે સ્પેશિયલ નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ જયેશ પટેલ વિરૂધ્ધ જામનગરમાં ફાયરીંગ કરાવ્યાની ફરિયાદ પણ નોંધાઈ હતી. જો કે, જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન દ્વારા જયેશ પટેલની ધરપકડ માટે એકશન પ્લાન બનાવી તે અંતર્ગત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન આ ભૂમાફિયા વિરૂધ્ધ ગુજસીટોક અંતર્ગત ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ઘણાં સમયથી વિદેશમાં જ રહેતા જયેશ પટેલ વિરૂધ્ધ સકંજો મજબુત કરવામાં પોલીસને મહત્વની સફળતા સાંપડી હતી. ઉપરાંત એડવોકેટ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં મળેલી બાતમીના આધારે એલસીબી પીઆઈ કે.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.બી. ગોજિયા, એ.એસ. ગરચર તથા ટીમ દ્વારા કલકતામાંથી દિલીપ ઠકકર, હાર્દિક ઠકકર અને જયંત ગઢવી નામના ત્રણ શખ્સોને સ્થાનિક પોલીસને સાથે રાખી દબોચી લઇ જામનગર આવવા માટે ટીમ રવાના થઈ ગઈ છે.
કલકતામાંથી એડવોકેટના હત્યારાઓને ઝડપી લેવા માટે એલસીબીની ટીમે વેશ બદલી ત્રણેયને દબોચી લીધા હતાં. આ ત્રણ શખ્સોની ધરપકડ વચ્ચે જયેશ મુળજી રાણપરિયાની ભારત અને લંડન પોલીસે સંયુકત ઓપરેશન પાર પાડી ધરપકડ કરી હતી અને આજે આ ભૂમાફિયાને લંડનની અદાલતમાં રજૂ કરી ભારત લઇ આવવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, આ ભૂમાફિયાની ધરપકડ મામલે હજુ સુધી પોલીસ દ્વારા સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular